માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવનના વિદ્યાર્થીઓ દ્વારા ફાર્માસ્યુટિકલ સાયન્સ વિભાગ ખાતે કાયદાકીય જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવનના વિદ્યાર્થીઓ દ્વારા અભ્યાસક્રમના ભાગરૂપે માનવ અધિકારો અને કાયદાકીય જાગૃતિના પ્રસારના ઉદ્દેશ સાથે તારીખ ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્માસ્યુટિકલ સાયન્સ વિભાગ ખાતે કાયદાકીય જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભવનના અધ્યક્ષ ડૉ. ભગીરથસિંહ એન. માંજરિયાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓના ‘EQUALITY’ ગ્રુપ દ્વારા સવારે ૧૧:૧૫થી બપોરે ૧૨:૩૦ વાગ્યા દરમિયાન આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ માનવ અધિકારો, નિઃશુલ્ક કાનૂની સહાય, રેગિંગ વિરોધી જાગૃતિ, બાળકોના અધિકારો, માહિતીનો અધિકાર, જાહેર હિતની અરજી અને ઘરેલુ હિંસા જેવા મહત્વપૂર્ણ વિષયો અંગે માહિતી રજૂ કરી હતી.
કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીની ભૂમિબેન ઓડેદરા દ્વારા કરવામાં આવ્યું હતું. સેમિનારમાં પ્રતિભાબેન નિમાવતે નિઃશુલ્ક કાનૂની સહાય, સ્નેહાબેન નિમ્બાર્કે રેગિંગ એ પરંપરા નહીં પરંતુ માનવ અધિકારોનું ઉલ્લંઘન છે તે વિષય પર, જયદેવભાઈ રાઠોડે બાળકોને જાતીય ગુનાઓથી રક્ષણ આપતા POCSO અધિનિયમ, ભાસ્કરભાઈ પરમારે માહિતીનો અધિકાર અધિનિયમ, હર્ષાબેન વાઢેરે જાહેર હિતની અરજી (PIL) તથા મહેકબેન મહિડાએ ઘરેલુ હિંસા અંગે માહિતી રજૂ કરી હતી.
આ જનજાગૃતિ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓએ માનવીય ગૌરવ, સમાનતા, ન્યાય અને કાયદાકીય અધિકારોના મહત્ત્વને માનવ અધિકારોના પરિપ્રેક્ષ્યમાં સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગ અટકાવવા, મહિલાઓ અને બાળકોના અધિકારોનું રક્ષણ કરવા તથા સામાન્ય નાગરિકોને કાનૂની સહાય અને ન્યાય મેળવવાની પ્રક્રિયા અંગે જાગૃત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ભવન તરફથી ચિંતનકુમાર શકોરિયા રૂબરૂ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓની કાયદાકીય જનજાગૃતિની પ્રવૃત્તિમાં સહભાગી થઈ તેમને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ પ્રકારની શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પ્રાપ્ત કરેલા સૈદ્ધાંતિક જ્ઞાનનો વ્યવહારિક ઉપયોગ કરવાની તક મળે છે. સાથે જ વિદ્યાર્થીઓમાં જાહેર સંવાદ, નેતૃત્વ, કાયદાકીય વિષયોની અસરકારક રજૂઆત અને સામાજિક જવાબદારી જેવી કુશળતાઓ વિકસાવવાનો અવસર પ્રાપ્ત થાય છે.
માનવ અધિકારોનું શિક્ષણ સમાજના વિવિધ વર્ગો સુધી પહોંચાડવા અને વિદ્યાર્થીઓમાં સામાજિક જવાબદારીની ભાવના વિકસાવવાના ઉદ્દેશ સાથે આયોજિત આ કાર્યક્રમ ભવનની શૈક્ષણિક અને વિસ્તરણ પ્રવૃત્તિઓમાં એક મહત્વપૂર્ણ પ્રયાસ બની રહ્યો હતો.